ચાલો ભૂતપૂર્વ વિદ્યાર્થીમિત્રો તમને આપણી શાળા વિશે ટૂંકમાં યાદ તાજી કરાવું.
બાળકમાં છુપાયેલ સત્યમ, શિવમ, સુંદરમના તત્વને પ્રગટ કરવાની શુભ ભાવના સાથે સ્થપાયેલ શ્રી સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળામાં ત્યારે ૨૯૩ વિદ્યાર્થીઓ અને ૮ શિક્ષકો હતાં. કોને કલ્પના હશે કે શુભ ભાવના સાથે શરૂ થયેલી આ નાનકડી શાળા વટવૃક્ષ બની જશે.
ઈ. સ.૧૯૪૪ માં આ શાળાને સરકાર માન્ય કરવામાં આવી.
નૈરોબી ખાતે જ્ઞાતિ મંડળે માધાપર ગામમાં શિક્ષણ માટે જરૂરી સુવિદ્યાવાળું મકાન તૈયાર કરવાનું નક્કી કર્યુ. તે માટે દેશ વિદેશ તથા ગામમાંથી ફાળો એકઠો કરવામાં આવ્યો.
કચ્છ રાજ્ય પાસેથી જમીન મેળવીને માધાપર ખાતે ગામની પશ્ચિમ દિશાએ વિશાળ જમીનમાં શ્રી સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળાના મકાનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું. આમ માધાપરના આંગણે જ્ઞાનની પરબ શરૂ થઈ.
સૌના ભગીરથ પ્રયાસોથી કુમાર અને કન્યા માટે બે ભવ્ય મકાનો તા.૩૦/૪/૧૯૫૦ ના તૈયાર થયાં.
આ બંને વિદ્યામંદિરના મકાનની ઉદ્દઘાટન વિધિ શ્રી સી. કે. દેસાઈ- ચીફ કમિશ્નર ઓફ કચ્છના શુભ હસ્તે તા.૩૦/૪/૧૯૫૦ ના રોજ કરવામાં આવી.
આ શાળાના સંચાલન માટે માધાપર પટેલ જ્ઞાતિ સરસ્વતી વિદ્યાલયની સ્થાપના થઈ.
૧૦ વરસના ગાળામાં આ શાળામાં ૪૭૦ કુમાર અને ૩૨૨ કન્યા એમ ૭૯૨ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ. શિક્ષણની ભૂખ વધતા ઈ. સ.૧૯૬૦ માં વધુ ૬ રૂમો તૈયાર કરવામાં આવ્યાં.
૧૯૬૪ માં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૮૮ થઈ જતા શાળાના મુખ્ય મકાનની પશ્ચિમ દિશાએ વિશાળ મેદાન વાળી જગ્યામાં ૧૦ રૂમોવાળું મકાન તૈયાર કરવામાં આવ્યું.
અત્યારે આ શાળાને 70 વર્ષ પૂરા થયા છે ત્યારે, અત્યાર સુધીમાં 14,000 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી પોતાની ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે, અને શાળામાં રાજકીય ક્ષેત્રે, મેડિકલ, બિઝનેસ, એજ્યુકેશન, ગવમેન્ટ ઓફિસર, ખેલ, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાનો પર બિરાજમાન થયેલ છે.